Updated: Mar 13th, 2026
GS TEAM

BCCI Schedule 2026 : વર્ષ 2026માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ પહેલેથી જ વ્યસ્ત છે, પરંતુ બીસીસીઆઈ તેને હજુ વધુ વ્યસ્ત બનાવવાનું વિચારી રહી છે. વર્ષ 2027ના વનડે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમની વન-ડે મેચોની સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે. એક અહેવાલ મુજબ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ અને શ્રીલંકા જેવા દેશોના ક્રિકેટ બોર્ડ્સ દ્વારા બીસીસીઆઈને વિનંતી કરવામાં આવી છે કે, પૂર્વ નિર્ધારિત પ્રવાસમાં વન-ડે મેચોની સંખ્યા વધારવામાં આવે.
…તો વિરાટ-રોહિતને જોવા મોટી સંખ્યામાં દર્શકો ઉમટશે
આ વિનંતી પાછળનું મુખ્ય કારણ ભારતીય દિગ્ગજ બેટ્સમેનો રોહિત શર્મા અને વિરાટ કોહલી (Rohit Sharma And Virat Kohli) છે. આ બંને ખેલાડીઓ હવે વન-ડે ફોર્મેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને તેમની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. વિદેશી ક્રિકેટ બોર્ડ્સ માને છે કે, જો વન-ડે મેચો વધારવામાં આવે તો રોહિત અને વિરાટને રમતા જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડશે, જેનાથી આ બોર્ડ્સને આર્થિક રીતે મોટો ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો : IPL ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો, આ ભારતીય સ્પિનરના નામે છે મોટો રેકોર્ડ
ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ બદલાશે !
ઈંગ્લેન્ડ પ્રવાસની વાત કરીએ તો, હાલના શેડ્યૂલ મુજબ ત્રણ વનડે અને પાંચ ટી20 મેચો રમાવાની છે. જોકે, એવી ચર્ચા છે કે આ શેડ્યૂલમાં ફેરફાર કરીને વધુ બે વન-ડે મેચો ઉમેરવામાં આવી શકે છે. રોહિત અને વિરાટ કદાચ તેમના લાંબા કરિયરમાં છેલ્લી વાર ઇંગ્લેન્ડના પ્રવાસે જાય તેવી શક્યતા હોવાથી દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે.
શ્રીલંકા સામેની શ્રેણીમાં વનડે-ટી20 ઉમેરવા વાટાઘાટો
બીજી તરફ, ઓગસ્ટ મહિનામાં ભારત શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાનું છે, જેમાં સિંહલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક ડે-નાઈટ ટેસ્ટનું પણ આયોજન થઈ શકે છે. જોકે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ બીસીસીઆઈ સાથે વનડે અને ટી20 જેવી વ્હાઇટ-બોલ મેચો ઉમેરવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણી અંગે પ્રવર્તતી અનિશ્ચિતતાને કારણે ભારત આ ખાલી સમયનો ઉપયોગ અન્ય ટીમો સામે વધારાની મેચો રમીને કરી શકે છે. હાલમાં આયર્લેન્ડ પ્રવાસની મેચોની તારીખો હજુ નક્કી થવાની બાકી છે.
આ પણ વાંચો : 2026માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે 12 ધમાકેદાર મેચ, BCCIનો પ્લાન તૈયાર!

Leave a Reply