અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ભયજનક બની ગયા છે.
આ સમયગાળામાં ડોગ બાઈટના 20,000 જેટલા કેસ નોંધાયા છે, જે સૂચવે છે કે શ્વાનનો ત્રાસ માત્ર શાંતિભંગ સુધી મર્યાદિત નથી રહ્યો, પણ તે આરોગ્ય માટે પણ ખતરો ઊભો કરી રહ્યો છે. પાલિકા અનુસાર, અમદાવાદના રસ્તાઓ પર લગભગ બે લાખ જેટલા રખડતા શ્વાન છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા ચાર મહિનામાં 2,412 શ્વાનોનું ખસીકરણ (સ્ટેરીલાઈઝેશન) કરવામાં આવ્યું છે. તેમ છતાં ફરિયાદોની સંખ્યા વધી રહી છે, જે સ્પષ્ટ કરે છે કે તંત્રના પ્રયાસો પૂરતા સાબિત નથી થઈ રહ્યા. તંત્ર અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી ખસીકરણ અને રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લગભગ 90 ટકા શ્વાનોનું સ્ટેરીલાઈઝેશન થયું છે. તંત્ર માને છે કે અસ્તિત્વમાં રહેલા રસી કરાયેલા શ્વાનો હજુ 5-6 વર્ષ જેટલા જીવશે, તેથી હજુ પુરા પરિણામો જોવા માટે પાંચેક વર્ષ તો લાગશે.
તંત્રએ જાહેરમાં અપીલ કરીને લોકોને જણાવ્યું છે કે જો કોઈ શ્વાનના કાન કપાયેલા ન હોય અને એવું શ્વાન દેખાય તો તાત્કાલિક મ્યુનિસિપલ ટીમનો સંપર્ક કરવો. આમ, શહેરમાં શ્વાન ત્રાસને લઇને આગામી સમયમાં વધુ સુદ્રઢ કાર્યવાહી કરવામાં આવશે તેવી ધારણા છે.

Leave a Reply