પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના કેનેડાના રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર બંને વખત થયેલા ગોળીબારના મામલે હવે એક ગંભીર ખુલાસો થયો છે. મિડિયા અહેવાલો મુજબ, આ ગોળીબાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરાયો હતો. ગેંગસ્ટર હેરી બોક્સરનો એક ઓડિયો સામે આવ્યો છે જેમાં કપિલ શર્માને જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. કારણ છે, કપિલે પોતાના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ના બીજા સીઝનમાં બૉલિવૂડ સ્ટાર સલમાન ખાનને આમંત્રણ આપ્યું હતું.
ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપવામાં આવી છે કે જે કોઈ સલમાન ખાન સાથે કામ કરશે તે ‘મરશે’. હેરી બોક્સરે જણાવ્યું કે હવે તેઓ કોઈ ચેતવણી આપ્યા વિના સીધી ગોળી મારશે અને મુંબઈનું વાતાવરણ બગાડી દેશે. તેણે એ પણ કહ્યું કે નાનાથી નાનો કલાકાર કે દિગ્દર્શક પણ સલમાન સાથે કામ કરશે તો બચી શકશે નહીં.
કપિલ શર્માને મળેલી આ ધમકી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભયનું માહોલ છે. લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાનની દુશ્મનાવટ વર્ષો જૂની છે, જે કથિત રીતે હરણ શિકાર કેસ પછી શરૂ થઈ હતી. અગાઉ પણ લોરેન્સ ગેંગે સલમાનના ઘરને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો, જેના પગલે સલમાનની સુરક્ષા વધારવામાં આવી છે. લોરેન્સ ગેંગની માંગ છે કે સલમાન પોતાના સમુદાય પાસે હરણ શિકાર માટે માફી માંગી લે.

Leave a Reply