મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ 2ને મેટ્રો લાઈન 3 સાથે સીધો જોડતો નવો ફુટ ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયો છે. અગાઉ મુસાફરોને એરપોર્ટથી મેટ્રો સ્ટેશન સુધી લાંબું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નવા બ્રિજના કારણે માત્ર 118 મીટર ચાલવાથી મેટ્રો સ્ટેશન પહોંચી શકાય છે, જ્યારે અગાઉ આ અંતર 450 મીટર હતું.
આ ફુટ ઓવરબ્રિજ સ્ટીલ સ્ટ્રક્ચરનો છે, જે 88 મીટર લાંબો, 4.3 મીટર પહોળો અને 3 મીટર ઊંચો છે. તે નિર્માણાધીન મેટ્રો લાઇન 7Aથી 23 મીટર ઉપર બનાવવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બ્રિજ એવા વિસ્તારમાં બનાવાયો છે જ્યાં અન્ય પ્રોજેક્ટ કે સુવિધાઓમાં કોઈ વિક્ષેપ ન થાય.
મેટ્રો લાઇન 3, જેને ‘એક્વા લાઇન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, મુંબઈનો પહેલો સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો કોરિડોર છે. તે કફ પરેડથી આરે સુધી 33.5 કિલોમીટરના અંતરે ફેલાયેલો છે અને તેમાં કુલ 27 સ્ટેશનો છે. આ નવા ફુટ ઓવરબ્રિજના કારણે હવાઈ મુસાફરોને મોટો લાભ થશે કારણ કે તેમને હવે ભારે સામાન સાથે ટ્રાફિકવાળા રસ્તા પાર કરવાની જરૂર નહીં પડે.

Leave a Reply