‘મારાથી બળતરાં થાય છે લોકોને, એજન્ડા ચલાવે છે…’, KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે ભડક્યો

Home » Latest Update » ‘મારાથી બળતરાં થાય છે લોકોને, એજન્ડા ચલાવે છે…’, KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે ભડક્યો
‘મારાથી-બળતરાં-થાય-છે-લોકોને,-એજન્ડા-ચલાવે-છે…’,-kkrનો-કેપ્ટન-અજિંક્ય-રહાણે-ભડક્યો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News

Google News

'મારાથી બળતરાં થાય છે લોકોને, એજન્ડા ચલાવે છે...', KKRનો કેપ્ટન અજિંક્ય રહાણે ભડક્યો 1 - image

SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં 65 રનથી મળેલી કારમી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન અજિંક્ય રહાણેનો રૂદ્ર અવતાર જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મેદાન પર શાંત જણાતા રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં ટીકાકારો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો મારી સામે સોશિયલ મીડિયા પર એજન્ડા ચલાવી રહ્યા છે.’

ટીકાકારો પર કર્યા આકરા પ્રહાર

સતત બીજી હાર બાદ જ્યારે રહાણેને તેના સ્ટ્રાઇક રેટ અને બેટિંગ અભિગમ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે રોષે ભરાઈને કહ્યું કે, ‘વર્ષ 2023થી મારો સ્ટ્રાઇક રેટ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. જે લોકો મારા વિશે વાતો કરે છે તેઓ કાં તો મેચ જોતા નથી અથવા તો મારી સામે કોઈ ખાસ એજન્ડા ધરાવે છે. કદાચ લોકોને મને રમતા જોવો ગમતો નથી અથવા તેઓ મારી સફળતાની ઈર્ષ્યા કરે છે.’

આંકડા શું કહે છે?

હકીકતમાં, આંકડા પણ રહાણેના દાવાને સંપૂર્ણપણે રદિયો આપતા નથી. 2023થી પાવરપ્લેમાં (ઓવર 1-6) તેનો સ્ટ્રાઇક રેટ 167.78 છે, જે આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 300 બોલનો સામનો કરનારા બેટરોમાં ચોથા ક્રમે છે. ટ્રેવિસ હેડ (187.98), અભિષેક શર્મા (176.56) અને ફિલ સોલ્ટ (173.8) આ યાદીમાં તેનાથી આગળ છે, જ્યારે યશસ્વી જયસ્વાલ તેનાથી નીચે છે.

આ પણ વાંચો: અભિષેક-ટ્રેવિસ હેડની તોફાની બેટિંગ, કોલકાતા સામે સનરાઈઝર્સ હૈદરાબાદની 65 રને જીત, KKRની બીજી હાર

મેચની સ્થિતિ અને હારનું વિશ્લેષણ

સનરાઇઝર્સ સામેની મેચમાં રહાણે પોતે માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. 227 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા KKRની ટીમ માત્ર 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ એક સમયે 120 રને 3 વિકેટની મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ માત્ર 41 રનમાં બાકીની 7 વિકેટો ગુમાવી દીધી હતી. હાર માટે પિચને દોષ આપવાને બદલે રહાણેએ સ્વીકાર્યું કે બોલરોએ 10 ઓવર પછી સારી વાપસી કરી હતી, જેના કારણે SRH 250-260 રન સુધી પહોંચી શક્યું નહીં.

શૈલીમાં ફેરફાર કરવાનો ઇનકાર

રહાણેએ સ્પષ્ટ કર્યું કે તે લોકોના કહેવા પર પોતાની બેટિંગ શૈલી બદલશે નહીં. તેણે કહ્યું, ‘મને મારી સ્ટાઇલ પર પૂરો વિશ્વાસ છે. એ સારું છે કે લોકો મારા વિશે વાત કરે છે, પછી તે પોઝિટિવ હોય કે નેગેટિવ, મને તેનાથી કોઈ ફરક પડતો નથી.’ KKR માટે આગામી મેચોમાં વાપસી કરવી અનિવાર્ય બની ગઈ છે, ત્યારે કેપ્ટનનો આ આક્રમક મૂડ ટીમના પ્રદર્શનમાં કેવો ફેરફાર લાવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published.