Updated: Apr 4th, 2026
GS TEAM

Shreyas Iyer Fine IPL 2026: IPL 2026માં પંજાબ કિંગ્સ(PBKS) પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું હોવા છતાં, કેપ્ટન શ્રેયસ અય્યર માટે મુશ્કેલીઓ વધી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) સામેની જીત બાદ સ્લો ઓવર રેટના કારણે શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં બીજી વખત આ ભૂલ થવા બદલ BCCI દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયર પર પણ મેચ ફીના 25 ટકા અથવા 6 લાખ રૂપિયા(જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો છે.
ચેપોકમાં બોલરોનું નબળું પ્રદર્શન: પંજાબ કિંગ્સ માટે બોલિંગ મોંઘી સાબિત થઈ
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સના બોલરોનું પ્રદર્શન ઘણું મોંઘું સાબિત થયું હતું. ટીમે કુલ 15 વાઈડ અને 1 નો-બોલ ફેંક્યા હતા, જેના કારણે રન તો ગયા જ પણ સાથે મેચ નિર્ધારિત સમય કરતાં વધુ લાંબી ચાલી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જાનસેને સૌથી વધુ 6 વાઈડ બોલ ફેંક્યા હતા, જ્યારે અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલે પણ 3-3 વાઈડ બોલ ફેંકીને સમયનો બગાડ કર્યો હતો.
પંજાબની ટીમ 20 ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી
આ શિસ્તબદ્ધ બોલિંગના અભાવે પંજાબની ટીમ 20 ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ ગઈ હતી. સ્લો ઓવર રેટની આ ભૂલ કેપ્ટન શ્રેયસ અય્યર માટે મોટી મુસીબત બની ગઈ છે, કારણ કે આ સીઝનમાં તે બીજી વખત આવી ભૂલ કરી ચૂક્યો છે. અગાઉ 31 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પણ ઓવર મોડી પૂરી કરવા બદલ તેમના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પંજાબ કિંગ્સે 210 રનનો ટાર્ગેટ સરળતાથી સર કર્યો, 5 વિકેટે જીત, ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર
6 એપ્રિલે પંજાબ અને કોલકાતા વચ્ચે મુકાબલો
આ જીત સાથે પંજાબ કિંગ્સ હવે 6 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે ઈડન ગાર્ડન્સમાં ટકરાશે. જોકે, શ્રેયસ અય્યર માટે હવે પછીની મેચોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. જો પંજાબની ટીમ ત્રીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષિત જણાશે, તો આઈપીએલના નિયમો મુજબ કેપ્ટન શ્રેયસ અય્યર પર એક મેચ માટે પ્રતિબંધ પણ લાગી શકે છે. આ અગાઉ 2 એપ્રિલે KKRના અભિષેક શર્મા પર પણ અશોભનીય ભાષાના ઉપયોગ બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply