‘રોહિત-વિરાટને અંધારામાં ન રાખો…’, યુવરાજ સિંહે ટીમ મેનેજમેન્ટને પૂછ્યો સીધો સવાલ
Updated: Apr 3rd, 2026
GS TEAM

Yuvraj Singh On Team India: ભારતીય ટીમના સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે યુવરાજ સિંહે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજે કહ્યું છે કે, ‘ટીમ મેનેજમેન્ટે આ બે દિગ્ગજોની ભૂમિકાઓ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ. રોહિત-વિરાટને અંધારામાં ન રાખો…’
વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત પાછળના હીરો યુવરાજ સિંહે કહ્યું કે, ‘આટલા મોટા ખેલાડીઓને અંધારામાં રાખવા યોગ્ય નથી.’ યુવરાજ સિંહનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકારોએ આ બાબતે ખુલીને વાતચીત કરવી જોઈએ અને તેમની ભવિષ્યની યોજનાઓ સ્પષ્ટ રીતે રજૂ કરવી જોઈએ.
યુવરાજ સિંહે શું કહ્યું?
યુવરાજ સિંહે કહ્યું કે, ‘મને ખબર નથી કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ તે વર્લ્ડ કપમાં રમવા માગે છે. નિર્ણય તેમના અને પસંદગીકારોના હાથમાં છે, પરંતુ આટલા મોટા ખેલાડીઓ સાથે સ્પષ્ટતા હોવી જોઈએ. તમારે એક રૂમમાં બેસીને નિખાલસ વાતચીત કરવી જોઈએ. કદાચ તમને એ સાંભળવું ન ગમે કે ટીમ હવે ભવિષ્ય તરફ જોઈ રહી છે, પરંતુ પછીથી તમે પ્રશંસા કરશો કે ઓછામાં ઓછું કોઈએ તમને સત્ય કહ્યું.’
યુવરાજ સિંહે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટમાં આવી સ્પષ્ટ વાતચીત ભાગ્યે જ જોવા મળે છે, જેના કારણે ખેલાડીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે. એક તરફ યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ પોતાની તકની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓનું મહત્ત્વ ઓછું થયું નથી.
ટીમ માટે સિનિયર ખેલાડીઓ જરૂરી
યુવરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, “તમે ફક્ત યુવા ખેલાડીઓથી વર્લ્ડ કપ જીતી શકતા નથી. ટીમમાં અનુભવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રોહિત અને કોહલી જેવા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટમાં ફરક લાવે છે. કાં તો વર્લ્ડ કપ માટે તેમને સંપૂર્ણ સમર્થન આપો અથવા સ્પષ્ટપણે જણાવો કે, ટીમ યુવા ખેલાડીઓ તરફ આગળ વધી રહી છે. તેમને અંધારામાં ન રાખો, તે યોગ્ય નથી.”
આ પણ વાંચો: VIRAL VIDEO: સૂર્યકુમારે ‘ધુરંધર’ના વાયરલ સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, લખ્યું,-‘દાદાની સ્ટાઇલ’
રોહિત શર્મા અને વિરાટ કોહલીના યોગદાનને યાદ કરતાં યુવરાજ સિંહે કહ્યું કે, બંને ખેલાડીઓને તેમના કદને અનુરૂપ સન્માન મળવું જોઈએ. 2027ના વર્લ્ડ કપ માટે ભારતની તૈયારીઓ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન ફક્ત રોહિત અને કોહલી રમશે કે નહીં તે નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેના સિનિયર ખેલાડીઓ સાથે કેટલું પારદર્શક રહે છે તે છે.

Leave a Reply