Updated: Apr 5th, 2026
GS TEAM

Virat Kohli Breaks World Record in IPL: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે(5 એપ્રિલ, 2026) રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની મેચમાં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. RCBના સ્ટાર બેટ્સમેન કોહલીએ આ મેચમાં 18 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો માર્યો હતો. કોહલીની વિકેટ ઝડપી બોલર અંશુલ કંબોજે લીધી હતી. જો કે, T20 ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.
T20 ક્રિકેટમાં વિરાટ કોહલીના નામે નવો વર્લ્ડ રેકોર્ડ
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ 28 રન બનાવ્યા હોવા છતાં, આંકડાકીય દ્રષ્ટિએ આ ઇનિંગ અપવાદરૂપે ખાસ સાબિત થઈ. T20 ક્રિકેટમાં ‘કિંગ કોહલી’એ પોતાના નામે નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આમ, વિરાટ T20 ક્રિકેટમાં એક જ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અત્યાર સુધી રમાયેલી 37 T20 મેચોમાં 37.12ની સરેરાશથી 1,188 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 10 અડધી સદી ફટકારી છે. આ પહેલા T20 ક્રિકેટમાં એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે હતો.
રોહિત શર્માને પણ છોડ્યો પાછળ!
રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) સામે 36 T20 મેચોમાં 40.03ની સરેરાશથી 1,161 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલીને રોહિતનો રેકોર્ડ તોડવા માટે ફક્ત બે રનની જરૂર હતી, જે કોહલીએ મેચની પહેલી જ ઓવરમાં હાંસલ કરી લીધા.
આ રેકોર્ડ એટલાં માટે પણ ખાસ છે કારણ કે, T20 જેવા ફોર્મેટમાં એક જ ટીમ સામે આટલી મોટી સંખ્યામાં રન બનાવવા એ કોઈ સરળ સિદ્ધિ નથી. તેના માટે સતત પ્રદર્શન, રમતમાં લાંબા સમય સુધી ટકી રહેવું અને એક જ પ્રતિસ્પર્ધી સામે વારંવાર શ્રેષ્ઠ દેખાવ કરવાની ક્ષમતાની જરૂર પડે છે.
આ પણ વાંચો: T20I: કેપ્ટન તરીકે એક જ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટર, 172 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવો મુશ્કેલ!
વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સિદ્ધિ એક જ સિઝનમાં નહીં, પરંતુ વર્ષો સુધી સતત મજબૂત પ્રદર્શન દ્વારા મેળવી હતી. આ રેકોર્ડ ફરી એકવાર સાબિત કરે છે કે T20 ક્રિકેટમાં મહાનતા ફક્ત ઝડપથી રન બનાવવાથી જ નહીં, પરંતુ સમયગાળા દરમિયાન સતત શાનદાર પ્રદર્શન કરીને પ્રાપ્ત થાય છે.

Leave a Reply