Updated: Apr 10th, 2026
GS TEAM

Lalit Modi Advice To KKR On Gautam Gambhir: કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026ની શરૂઆત નિરાશાજનક રહી છે. અત્યાર સુધીમાં KKRએ 4 મેચ રમી છે અને એકપણ મેચ જીતી નથી. કોલકાતાએ 2024માં ત્રીજી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો, પરંતુ છેલ્લી સિઝનમાં સારુ પ્રદર્શન કરવામાં તેમને સફળતા મળી ન હતી. જ્યારે આ સિઝનમાં પણ તેઓ હજુ સુધી એકેય મેચમાં જીત મેળવી નથી.
કોલકાતાના ખરાબ પ્રદર્શનને પગલે IPL પૂર્વ ચેરમેન લલિત મોદીએ KKRને મોટી સલાહ આપી છે. તેમનું કહેવું છે કે, ‘KKRએ ગૌતમ ગંભીરને પરત લાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવા જોઈએ. ગંભીર કોલકાતા માટે યોગ્ય પસંદગી છે અને તેમની વાપસીથી ટીમનું પ્રદર્શન સુધરશે.’ નોંધનીય છે કે, જ્યારે ગૌતમે 2024 માં માર્ગદર્શક તરીકે સેવા આપી હતી, ત્યારે ટીમ ચેમ્પિયન બની હતી.
લલિત મોદીએ કોલકાતાને આપી સલાહ
લલિત મોદીએ પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, “મને કોઈ શંકા નથી કે ગૌતમ ગંભીર કોલકાતા માટે યોગ્ય વ્યક્તિ છે. તેમને ટીમ મેનેજમેન્ટમાં પાછા લાવવા માટે દરેક શક્ય પ્રયાસો કરવા જોઈએ. જેમ શેન વોર્નને ઇક્વિટી વિકલ્પો આપવામાં આવ્યા હતા તેમ તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમને લાંબા ગાળા માટે ટીમ મેનેજમેન્ટમાં જાળવી રાખવા જોઈએ. તેઓ ખેલાડી તરીકે ઓક્શનમાં પ્રવેશતા નથી અને તેમને ટીમનો ચહેરો બનાવવો જોઈએ. KKRએ ગૌતમને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્થાપિત કરવો જોઈએ. તેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી.”
ગૌતમ ગંભીરે ટીમને ત્રણ વખત બનાવી ચેમ્પિયનશિપ
ગંભીરે કોલકાતાને એક ખેલાડી અને કેપ્ટન તરીકે બે ટ્રોફી અપાવી હતી. તેમના નેતૃત્વ હેઠળ KKR ટીમે 2012 અને 2014 બંનેમાં IPL ટાઇટલ જીત્યું. બાદમાં વર્ષ 2024માં જ્યારે ગંભીરે માર્ગદર્શક તરીકે સેવા આપી ત્યારે કોલકાતાએ ત્રીજી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો. કોલકાતાની ચેમ્પિયનશિપ જીત બાદ ગૌતમ ભારતીય ટીમના મુખ્ય કોચ બન્યા અને તેમની ગેરહાજરીમાં કોલકાતા મજબૂત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
આ પણ વાંચો: VIDEO: ‘ભારતનો સૌથી ખતરનાક બેટર બનાવી દઈશ’, મુકુલ ચૌધરીને લઈને LSGના કોચની મોટી ભવિષ્યવાણી
મેનેજમેન્ટે IPL 2026 માટે ચંદ્રકાંત પંડિત અને અભિષેક નાયરને કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે. જોકે, સિઝનની શરૂઆત ટીમ માટે નિરાશાજનક રહી છે. ચાલુ સિઝનમાં ખેલાડીઓની ઇજાઓ પણ ફ્રેન્ચાઇઝ માટે એક મોટી સમસ્યા રહી છે. હર્ષિત રાણા અને આકાશ દીપ જેવા બોલરો ઇજાઓને કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.

Leave a Reply