Updated: Apr 12th, 2026
GS TEAM

IPL 2026: આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચમાં એક એવી ઘટના બની જેણે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. CSKના 20 વર્ષીય યુવા બેટર આયુષ મ્હાત્રેએ શાનદાર અડધી સદી ફટકારી હોવા છતાં ટીમની વ્યૂહનીતિના ભાગરૂપે તેને રિટાયર્ડ આઉટ કરવામાં આવ્યો હતો.
શું છે આ અણગમતો રેકોર્ડ?
આયુષ મ્હાત્રે હવે IPLના ઈતિહાસમાં એવા પસંદગીના ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. જેમને ફિફ્ટી ફટકાર્યા બાદ વ્યૂહાત્મક રીતે પેવેલિયન પરત બોલાવી લેવાયા હોય. મ્હાત્રે CSKનો બીજો એવો ખેલાડી બન્યો છે જે રિટાયર્ડ આઉટ થયો હોય. આ પહેલા ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટર ડેવોન કોનવેને ચેન્નાઈ તરફથી રમતા આ રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચની સ્થિતિ અને રણનીતિ
CSKની ઈનિંગ દરમિયાન મ્હાત્રેએ માત્ર 36 બોલમાં 59 રનની આક્રમક ઈનિંગ રમી હતી. તેણે સંજુ સેમસન સાથે મળીને 113 રનની મજબૂત પાર્ટનરશિપ કરી, જે દિલ્હી સામે CSKની બીજી સૌથી મોટી ભાગીદારી છે. 18મી ઓવરમાં જ્યારે ટીમનો સ્કોર 175/2 હતો, ત્યારે રન ગતિ વધારવા માટે મેનેજમેન્ટે મ્હાત્રેને પરત બોલાવી શિવમ દુબેને મેદાનમાં ઉતાર્યો હતો.
આ પણ વાંચો:’અહીં સિગારેટનો કશ મારતા જ ઓફિસર આવી જાય’, કેનેડાનો એન્ટી સ્મોકિંગ કાયદો ચર્ચામાં
સંજૂ સેમસન સાથે ઐતિહાસિક પાર્ટનરશિપ
ઋતુરાજ ગાયકવાડ (15 રન) વહેલા આઉટ થયા બાદ મ્હાત્રે અને સેમસને બાજી સંભાળી હતી. મિડલ ઓવર્સમાં બંનેએ દિલ્હીના બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. મ્હાત્રેની આ ઈનિંગ અને સેમસનની તોફાની બેટિંગને કારણે જ CSK 20 ઓવરમાં 212/2 જેવો વિશાળ સ્કોર બનાવી શક્યું હતું.
રિટાયર્ડ આઉટ ક્લબમાં દિગ્ગજો સાથે સ્થાન
IPLમાં અત્યાર સુધી રવિચંદ્રન અશ્વિન, અથર્વ તાયડે, સાઈ સુદર્શન, તિલક વર્મા અને ડેવોન કોનવે જેવા ખેલાડીઓ રિટાયર્ડ આઉટ થઈ ચૂક્યા છે. હવે આ યાદીમાં યુવા આયુષ મ્હાત્રેનું નામ પણ જોડાઈ ગયું છે. ટીમની જીત માટે પોતાની અડધી સદીનું બલિદાન’ આપવાની મ્હાત્રેની આ વ્યૂહનીતિ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ખૂબ ચર્ચાઈ રહી છે.


Leave a Reply