IPLમાં CSK-DCની મેચમાં અમ્પાયર્સ સાથે માથાકૂટ, ગ્લવ્સ ન બદલવા દેતા નીતિશ બાખડ્યો

Home » Latest Update » IPLમાં CSK-DCની મેચમાં અમ્પાયર્સ સાથે માથાકૂટ, ગ્લવ્સ ન બદલવા દેતા નીતિશ બાખડ્યો
iplમાં-csk-dcની-મેચમાં-અમ્પાયર્સ-સાથે-માથાકૂટ,-ગ્લવ્સ-ન-બદલવા-દેતા-નીતિશ-બાખડ્યો

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News

Google News

Nitish Rana Umpire Argument

Nitish Rana Umpire Argument: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) એ પોતાની જીતનું ખાતું ખોલી દીધું છે. 11 એપ્રિલ, શનિવારના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં CSKએ દિલ્હી કેપિટલ્સ(DC)ને 23 રનથી હરાવ્યું હતું. આ મેચમાં સૌથી મોટું આકર્ષણ સંજુ સેમસન રહ્યો હતો, જેણે સતત ત્રણ મેચમાં નિષ્ફળતા બાદ શાનદાર પુનરાગમન કરીને 56 બોલમાં અણનમ 115 રન ફટકાર્યા હતા. સંજુની આક્રમક ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. તેને યુવા બેટર આયુષ મ્હાત્રેનો સારો સાથ મળ્યો હતો, જેણે 59 રન બનાવ્યા હતા. બંને વચ્ચે બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી, જેના કારણે ચેન્નાઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો.

દિલ્હીની સતત બીજી હાર, પોઈન્ટ ટેબલમાં ચોથો ક્રમ

212 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી હતી, પરંતુ મધ્યક્રમ પત્તાની જેમ વેરવિખેર થઈ ગયો હતો. ચેન્નાઈના ફાસ્ટ બોલર જેમી ઓવરટને ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપીને મેચનો પાસો પલટી નાખ્યો હતો. દિલ્હી તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે લડત આપતા 60 રન બનાવ્યા હતા, પરંતુ બીજા છેડેથી સાથ ન મળવાને કારણે દિલ્હીની ટીમ 189 રન જ બનાવી શકી હતી. આ મેચ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ સતત બીજી હાર છતાં ચાર પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.

આ પણ વાંચો: IPL 2026માં CSKએ જીતનું ખાતું ખોલ્યું, દિલ્હી કેપિટલ્સની 23 રને હાર, સંજૂની સદી

નીતિશ રાણા અને અમ્પાયર વચ્ચે દલીલ

મેચ દરમિયાન એક મોટો વિવાદ પણ જોવા મળ્યો હતો, જ્યારે નીતિશ રાણા અને કોચ હેમાંગ બદાનીએ અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હીની ઇનિંગની 19મી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પસીનાને કારણે ભીના થયેલા ગ્લવ્સ બદલવાની માંગ કરી હતી, જેને અમ્પાયરે નકારી કાઢી હતી. અમ્પાયરના મતે ઓવરની વચ્ચે સાધન બદલી શકાય નહીં. આ નિર્ણયથી નારાજ નીતિશ રાણા ચોથા અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. નવાઈની વાત એ છે કે આ વિવાદ બાદ તરત જ સ્ટબ્સ આઉટ થઈ ગયો હતો, જેનો ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. જોકે, ક્રિકેટના નિયમો મુજબ અમ્પાયરનો નિર્ણય સાચો હતો, પરંતુ આ ઘટનાએ મેદાન પર ભારે તણાવ પેદા કર્યો હતો. આ મેચની જીત CSK માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ છે.

IPLમાં CSK-DCની મેચમાં અમ્પાયર્સ સાથે માથાકૂટ, ગ્લવ્સ ન બદલવા દેતા નીતિશ બાખડ્યો 2 - image

Leave a Reply

Your email address will not be published.