Updated: Apr 13th, 2026
GS TEAM

Cricket News: IPL 2026 સીઝન શરૂ થઈ ચૂકી છે અને ટુર્નામેન્ટમાં 20થી વધુ મેચો રમાઈ ચૂકી છે. ટુર્નામેન્ટના સમગ્ર શેડ્યૂલની જાહેરાત પણ પહેલા જ થઈ ચૂકી હતી. પરંતુ 2 અઠવાડિયાથી વધુ સમય વીતી ગયા પછી હવે BCCIએ અચાનક તેના શેડ્યૂલમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. આ ફેરફાર ટુર્નામેન્ટના 2 મુકાબલાઓને લઈને કરવામાં આવ્યો છે, જેમાં તારીખ યથાવત રાખી સ્થળની અદલા-બદલી કરવામાં આવી છે. આ નિર્ણય ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારા બંને મુકાબલાઓને લઈને લેવામાં આવ્યો છે.
CSK-GTના મુકાબલામાં થયેલા બે ફેરફાર
BCCI તરફથી આજે 13 એપ્રિલના રોજ એક પ્રેસ રિલીઝમાં આ મોટા ફેરફારોનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 2 મેચ રમાવાની છે. શરૂઆતમાં જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ બંને ટીમ વચ્ચે પહેલી મેચ 26 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3.30 વાગ્યે રમાવાની હતી. પરંતુ હવે આ મુકાબલો આ જ સમયે અને તારીખે અમદાવાદને બદલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. તે જ રીતે બંને વચ્ચેનો રિવર્સ ફિક્સ્ચર 21 મેના રોજ ચેન્નાઈમાં રમાવાનો હતો. આ મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી થવાનો હતો પરંતુ હવે ચિદમ્બરમ સ્ટેડિયમની જગ્યાએ તે જ તારીખે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. એટલે કે મુકાબલાની તારીખ અને સમયમાં કોઈ ફેરફાર થયો નથી. ફક્ત સ્થળની અદલા-બદલી કરવામાં આવી છે.

શા કારણે બદલવું પડ્યું સ્થળ
BCCIના આ નિર્ણયનું કારણ ચૂંટણી છે. આ દિવસોમાં 5 રાજ્યોમાં તો વિધાનસભા ચૂંટણીઓ થઈ જ રહી છે પરંતુ આ સિવાય 26 એપ્રિલે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં નગર નિગમની ચૂંટણીઓ થવાની છે. તેના કારણે 26 એપ્રિલે અમદાવાદમાં મુકાબલો આયોજિત કરવો સુરક્ષાની દૃષ્ટિએ મુશ્કેલ સાબિત થાય તેમ હતો. તેને ધ્યાનમાં રાખીને જ બોર્ડે આ ફેરફાર કર્યો છે.
આ પણ વાંચો: ચેતી જજો! જો મોબાઈલમાં આ સેટિંગ્સ ઓન હશે તો પ્રાઈવસી જોખમમાં મૂકાશે, અત્યારે જ ફોલો કરો 3 ટિપ્સ
GT-CSKનું કેવું રહ્યું પ્રદર્શન?
અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો બંને ટીમ માટે સીઝનની શરૂઆત કોઈ ખાસ સારી રહી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સને તો સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ચોથી મેચમાં જઈને ઋતુરાજ ગાયકવાડની ટીમનું ખાતું ખૂલ્યું. બીજી તરફ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સે પણ શરૂઆતની 2 મેચ ગુમાવી હતી પરંતુ ત્યારબાદ પછીની બંને મેચ જીતીને આ ટીમ લય મેળવતી દેખાઈ રહી છે.

Leave a Reply