Updated: Apr 21st, 2026
GS TEAM

Abhishek Sharma Century: IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો રમાયો, જેમાં અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં સદી ફટકારી દીધી. શતક દરમિયાન તેના બેટથી 8 છગ્ગા અને 8 ચોગ્ગા નીકળ્યા. જ્યારે કુલ 135 રનની અણનમ ઈનિંગમાં તેને 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે દિલ્હીના દરેક બોલરની જબરદસ્ત ધોલાઈ કરતા T20 સદીઓના મામલે કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી.
25 બોલમાં ફિફ્ટી અને 47 બોલમાં સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદ માટે ઇનિંગની શરૂઆત ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ કરી હતી. બંનેએ તોફાની અંદાજમાં ઇનિંગની શરૂઆત કરી. પાવરપ્લે એટલે કે 6 ઓવર પછી હૈદરાબાદનો સ્કોર 67-0 હતો. 9મી ઓવરમાં અભિષેક શર્માએ માત્ર 25 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી. પરંતુ આ જ ઓવરમાં હૈદરાબાદને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે હેડ 37 રન બનાવીને અક્ષર પટેલનો શિકાર બન્યો. પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા રોકાયો નહીં. તેણે માત્ર 47 બોલમાં જ સદી ફટકારી દીધી.
અણનમ રહ્યો અભિષેક શર્મા
દિલ્હી કેપિટલ્સ સામે અભિષેક શર્માએ તોફાની ઈનિંગ રમતા 68 બોલમાં 135 રન જડી દીધા હતા. અભિષેકે 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા અને અણનમ રહ્યો હતો.
ચોગ્ગા છગ્ગાના જ 100 રન!
આમ જોવા જઈએ તો ચોગ્ગા છગ્ગાની મદદથી અભિષેક શર્માએ 100 રન બનાવ્યા હતા. 10 ચોગ્ગાથી 40 રન તો 10 છગ્ગાથી 60 રન બનાવી અભિષેકે હૈદરાબાદ માટે રનનો ખડકલો કરી દીધો હતો.
T-20માં અભિષેકે કરી કોહલીની બરાબરી
9: અભિષેક શર્મા (184 ઇનિંગ્સ)
9: વિરાટ કોહલી (403 ઇનિંગ્સ)
8: રોહિત શર્મા (454 ઇનિંગ્સ)
7: ઈશાન કિશન (227 ઇનિંગ્સ)
7: સંજુ સેમસન (319 ઇનિંગ્સ)
7: કેએલ રાહુલ (231 ઇનિંગ્સ)
સ્ટ્રાઈક રેટમાં સર્વોપરી
અભિષેકનો સ્ટ્રાઈક રેટ પણ અન્ય દિગ્ગજો કરતા ઘણો વધારે છે. 174.62 ના સ્ટ્રાઈક રેટ સાથે તે ઈશાન કિશન (143), વિરાટ કોહલી (135), સંજુ સેમસન (139) અને કેએલ રાહુલ (137) કરતા ઘણો આગળ છે.
ઓરેન્જ કેપ પર કબજો
આ શાનદાર ઇનિંગની મદદથી અભિષેક શર્મા IPL-2026 માં 300 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સાથે જ ઓરેન્જ કેપ પણ હવે તેના નામે થઈ ગઈ છે. તેના આઈપીએલ કરિયરની આ બીજી સદી છે, જેમાંથી પ્રથમ તેણે 2025માં ફટકારી હતી.
સિક્સનો પણ રેકોર્ડ તોડ્યો
અભિષેકે ટી20 ફોર્મેટમાં કુલ 350 છગ્ગા પણ પૂરા કર્યા છે. આ સિવાય તે T20 ક્રિકેટમાં 130થી વધુનો સ્કોર સૌથી વધુ 4 વખત બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે, જેણે આ મામલે એરોન ફિંચ અને ક્રિસ ગેલ (3 વખત) ને પાછળ છોડી દીધા છે.
મોટી ઇનિંગ્સની યાદીમાં સ્થાન
આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાના મામલે પણ તે ટોચના ખેલાડીઓમાં સામેલ થયો છે. ક્રિસ ગેલ (175*), બ્રેન્ડન મેક્કુલમ (158*), અને ક્વિન્ટન ડી કોક (140*) પછી અભિષેક શર્માના 141 (વર્ષ 2025) અને 135* (વર્ષ 2026) રન શ્રેષ્ઠ ઇનિંગ્સમાં ગણાય છે.

Leave a Reply