Updated: Apr 25th, 2026
GS TEAM

Image Source: Twitter
IPL 2026: દિલ્હી કેપિટલ્સને IPL 2026 વચ્ચે એક મોટી રાહત મળી છે. ટીમના સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આખરે દિલ્હી કેમ્પમાં જોડાઈ ગયો છે. ઈજાને કારણે ભલે તેની વાપસીમાં વિલંબ થયો, પરંતુ હવે ફ્રેન્ચાઈઝીને સીઝનના મહત્વપૂર્ણ તબક્કા પહેલા મોટી મજબૂતી મળી છે.
મિચેલ સ્ટાર્ક ખભા અને કોણીની ઈજાઓથી પીડાઈ રહ્યો હતો
સ્ટાર્ક IPL 2026ની શરૂઆતથી જ ખભા અને કોણીની ઈજાઓથી પીડાઈ રહ્યો હતો. આ સમસ્યા એશિઝ સીરિઝ દરમિયાન વર્કલોડ (153 ઓવરથી વધુ)ના કારણે વધી ગઈ હતી. ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં બિગ બેશ લીગમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે પડી જવાથી ઈજા વધુ ગંભીર બની ગઈ. ફેબ્રુઆરીમાં જ્યારે તેણે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે દુ:ખાવો ચાલુ રહ્યો, જેના કારણે તેને સિડનીમાં લાંબુ રિહેબ કરાવવું પડ્યું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કને ફિટ જાહેર કર્યો
આખરે 23 એપ્રિલ, 2026ના રોજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને ફિટ જાહેર કર્યો, ત્યારબાદ તે દિલ્હી કેમ્પમાં જોડાઈ ગયો. તેની ગેરહાજરીમાં મુકેશ કુમાર, ટી નટરાજન અને લુંગી એનગીડીએ દિલ્હીના પેસ આક્રમણની જવાબદારી સંભાળી છે. ખાસ કરીને એનગીડીએ 6 મેચમાં 7 વિકેટ લઈને ટીમને મજબૂતી આપી છે.
IPL 2025માં મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન
ગત સીઝનની વાત કરીએ તો સ્ટાર્કે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 11 મેચમાં 14 વિકેટ લેવા ઉપરાંત તેણે વિશાખાપટ્ટનમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર 5/35નો શાનદાર સ્પેલ નાખ્યો હતો. તે દિલ્હી કેપિટલ્સના ઈતિહાસમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ વિદેશી ફાસ્ટ બોલર બન્યો હતો. જોકે, તે સીઝન પૂર્ણ કર્યા વિના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો.
આ પણ વાંચો: હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
શું PBKS સામે રમશે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સ્ટાર્ક આજે (25 એપ્રિલ) પંજાબ કિંગ્સ સામે રમશે? જવાબ ના છે. ટીમ મેનેજમેન્ટ તેને ઉતાવળમાં મેદાનમાં ઉતારવાના મૂડમાં નથી. લગભગ ત્રણ મહિનાના બ્રેક બાદ તે પહેલા ટ્રેનિંગ અને મેચ ફિટનેસ પર ધ્યાન આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્ટાર્ક 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે IPL 2026 પોતાની પહેલી મેચ રમી શકે છે. જો બધું બરાબર રહ્યું તો તે બાકીની લીગ સ્ટેજ મેચો અને પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે.

Leave a Reply