Updated: Mar 20th, 2026
GS TEAM

Shashi Tharoor on Sanju Samson : કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારતીય ક્રિકેટર સંજુ સેમસનની જબરદસ્ત પ્રશંસા કરી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં થરૂરે સેમસન સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા જણાવ્યું કે, તેઓ સંજુ માટે એક ‘અંકલ’ સમાન છે અને તેને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવાની પણ ઈચ્છા ધરાવે છે.
આગામી મહેન્દ્ર સિંહ ધોની
શશી થરૂરે જણાવ્યું કે, જ્યારે સંજુ સેમસનને પહેલીવાર મળ્યો ત્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી. થરૂરે સંજુને કહ્યું હતું કે, “તું આગામી મહેન્દ્ર સિંહ ધોની બનીશ.”જ્યારે સંજુએ આ વાત કોચ ગૌતમ ગંભીરને કહી, ત્યારે ગંભીરે બહુ સચોટ જવાબ આપતા કહ્યું હતું કે, “તેને કોઈના આગામી બનવાની જરૂર નથી. તે પોતાની જાતનો જ પ્રથમ હોઈ શકે છે. તે પહેલો અને એકમાત્ર સંજૂ સેમસન બનવા જઈ રહ્યો છે.”
આ પણ વાંચો : LIVE: અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન
તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં સંજુ સેમસન બેટિંગ મોરચે હીરો રહ્યો હતો. થરૂરે કહ્યું કે, વર્લ્ડ કપની છેલ્લી ત્રણ મેચોમાં સંજુનું પ્રદર્શન અદભૂત હતું. તે મેદાન પર એકદમ શાંત અને એકાગ્ર જોવા મળ્યો હતો. થરૂરે સેમસનની સેમિ ફાઇનલ અને ફાઇનલ બંને મેચોમાં રમાયેલી સદીની ખુબ જ નજીકના આંકડાના તથા મહત્વની ઇનિંગ્સનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
ODI અને ટેસ્ટમાં વાપસીની ઈચ્છા
શશી થરૂર ઈચ્છે છે કે, સંજુ સેમસન વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ટીમમાં પણ વાપસી કરે. છેલ્લી ઇનિંગ્સમાં તેની સદી હતી તેમ છતાં તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેને તક મળવી જોઈએ. કદાચ તે એક દિવસ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ પણ રમશે.” થરૂરે વેસ્ટ ઇન્ડીઝ સામેની એક મેચને યાદ કરતા કહ્યું કે, “મેં ટીવી પર તેની આંખોમાં જે આત્મવિશ્વાસ જોયો હતો તેના પરથી જ કહી દીધું હતું કે આ છોકરો આજે આઉટ નહીં થાય. તે મેચમાં સંજુ 97 રને અણનમ રહ્યો હતો.”
સ્વભાવે સરળ છે સંજુ
થરૂરે સંજુના સ્વભાવ વિશે વાત કરતા કહ્યું કે, તે ખૂબ જ શિષ્ટ અને સરળ યુવાન છે. પ્રોટોકોલના કારણે મેચ દરમિયાન ક્યારેય વાત થતી નથી, પરંતુ સંજુએ થરૂરને તેમના જન્મદિવસ પર ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. થરૂરે ઉમેર્યું કે સંજુમાં પ્રતિભા હંમેશા હતી, બસ તેને યોગ્ય સમયે પોતાની જાતને સંભાળવાની જરૂર હતી જે તેણે કરી બતાવ્યું છે.

Leave a Reply