Updated: Apr 2nd, 2026
GS TEAM

LSG vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રસાકસી વચ્ચે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું જણાય છે. બુધવારે (પહેલી એપ્રિલ) અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 6 વિકેટે મળેલી હાર બાદ મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ ટીમ માલિક સંજીવ ગોયંકા અને કેપ્ટન રિષભ પંત વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ક્રિકેટ જગતમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
શું હતો સમગ્ર વિવાદ?
લખનઉની હાર બાદ મેદાન પર જ ટીમ માલિક સંજીવ ગોયંકા, કેપ્ટન રિષભ પંત અને મુખ્ય કોચ જસ્ટિન લેંગર વચ્ચે ગંભીર ચર્ચાઓ થતી જોવા મળી હતી. વાઈરલ વીડિયોમાં સંજીવ ગોયંકા બંને સાથે કંઈક ઉગ્રતાથી વાત કરતા દેખાઈ રહ્યા છે, જ્યારે સામે પક્ષે પંત પણ પોતાનો પક્ષ રાખતો જોવા મળ્યો હતો. આ વાતચીત માત્ર ટીમની વ્યૂહરચના અંગે હતી કે હારના કારણે ગોયંકાનો ગુસ્સો હતો, તે સ્પષ્ટ થયું નથી, પરંતુ ચાહકોમાં આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે આપી માત, રિઝવી અને સ્ટબ્સની મેચ વિનિંગ પાર્ટનરશિપ
26 રને 4 વિકેટ છતાં દિલ્હીની શાનદાર જીત
લખનઉ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી સામે 142 રનનો સાધારણ લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં દિલ્હીની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ શમીએ પોતાના ડેબ્યૂમાં જ તરખાટ મચાવતા કેએલ રાહુલને ‘ગોલ્ડન ડક’ પર આઉટ કર્યો હતો. મોહસીન ખાન અને પ્રિન્સ યાદવે ઘાતક બોલિંગ કરીને દિલ્હીનો સ્કોર 26 રનમાં 4 વિકેટ કરી નાખ્યો હતો. જો કે, આ તબક્કે સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે બાજી સંભાળી હતી.
સમીર રિઝવીએ 47 બોલમાં અણનમ 70 રન ફટકારી જીતનો પાયો નાખ્યો. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સએ 32 બોલમાં 39 રનની સંયમી ઇનિંગ રમી. બંને વચ્ચે થયેલી 119 રનની ભાગીદારીથી દિલ્હીએ 17.1 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હાર બાદ લખનઉ સુપર જાયન્ટ્સ માટે હવે પછીની મેચ કઠિન બની છે. ટીમે હવે વ્યૂહનીતિ પર ફરી વિચાર કરવો પડશે. દિલ્હી કેપિટલ્સ ચોથી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. લખનઉ સુપર જાયન્ટ્સ પાંચમી એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરશે.

Leave a Reply