Updated: Apr 2nd, 2026
GS TEAM

Who is Sameer Rizvi? ક્રિકેટના મેદાનમાં જ્યારે કોઈ ખેલાડી પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર વિરોધી ટીમ તરફથી રમીને મેચ જીતાડે, ત્યારે એ હારનું દર્દ યજમાન ટીમ માટે સૌથી ઊંડું હોય છે. ઇકાના સ્ટેડિયમમાં 1 એપ્રિલ 2026ના રોજ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. જે ઉત્તર પ્રદેશની માટીએ સમીર રિઝવીને ક્રિકેટના પાઠ ભણાવ્યા, એ જ મેદાન પર ઊભા રહીને આ યુવા બેટરએ લખનઉ સુપર જાયન્ટ્સના વિજયના અરમાનો પર પાણી ફેરવી દીધું. લખનઉ માટે આ મેચ કોઈ ખરાબ સ્વપ્ન જેવી રહી, જ્યારે દિલ્હી કેપિટલ્સ માટે સમીર રિઝવી એક ચમત્કાર સાબિત થયો.
સંકટ સમયની સાંકળ: સમીરની ધીરજ અને સંયમ
જ્યારે દિલ્હીની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે મેદાનમાં આવેલા સમીર રિઝવીએ શરૂઆતમાં ખૂબ જ ધીરજપૂર્વક બેટિંગ કરી હતી. એક તબક્કે તે 13 બોલમાં માંડ 5 રન બનાવી શક્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે આક્રમક વલણ અપનાવીને લખનઉના બોલરો પર પ્રહાર કરવાનું શરૂ કર્યું. રિઝવીએ માત્ર 47 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 70 રનની વિજયી ઇનિંગ રમી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે મળીને દિલ્હીની ઇનિંગને સ્થિરતા આપી અને ખાસ કરીને સ્પિનરો વિરુદ્ધ તોફાની બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું. આ જીતથી દિલ્હીને એક ભરોસાપાત્ર મેચ વિનર મળ્યો છે, તો બીજી તરફ લખનઉ માટે આ પરાજય એક મોટો બોધપાઠ સમાન રહ્યો છે.
મેરઠની ગલીઓથી આઈપીએલના મોટા મંચ સુધીની સફર
સમીરની આ સફળતા પાછળ તેના પિતા હસીન રિઝવીનો અતૂટ વિશ્વાસ અને વર્ષોની મહેનત છુપાયેલી છે. 6 ડિસેમ્બર 2003ના રોજ મેરઠમાં જન્મેલા સમીરના પિતા પ્રોપર્ટી ડીલર છે અને તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો આર્થિક તંગીને આડે આવ્યા વગર ક્રિકેટમાં નામ કમાય. સમીરને તેના મામા અને પહેલા કોચ તંકીબ અખ્તરે નાનપણથી જ તાલીમ આપી હતી. ખાસ કરીને સ્પિનરો સામે કેવી રીતે રમવું તેની કલા તેણે વર્ષો સુધી મેદાન પર પરસેવો પાડીને શીખી હતી, જેની ઝલક તેણે શાહબાઝ અહેમદ અને એડન માર્કરામ જેવા બોલરો સામે રમીને બતાવી દીધી.
આ પણ વાંચો: દિલ્હી સામે હારતાં જ LSGના સંજીવ ગોયનકા કેપ્ટન પંત સાથે ઝઘડ્યાં? વાઈરલ VIDEOમાં દાવો
ઇન્ટરનેશનલ સ્ટાર્સ પર ભારે પડ્યો ‘લોકલ બોય’
ડોમેસ્ટિક ક્રિકેટમાં 2020માં ડેબ્યૂ કરનાર સમીર ખરા અર્થમાં 2023ની યુપી ટી20 લીગથી લાઈમલાઈટમાં આવ્યો હતો, જ્યાં તેણે 35 છગ્ગા સાથે 455 રન ફટકાર્યા હતા. તેની પાવર-હિટિંગ ક્ષમતા જોઈને 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 8.4 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ 2025ની મેગા હરાજીમાં દિલ્હી કેપિટલ્સે માત્ર 95 લાખમાં તેને પોતાની ટીમમાં સામેલ કરીને જાણે ‘દાયકાની સૌથી મોટી ડીલ’ કરી લીધી હોય તેમ જણાય છે. સમીરની આતશબાજી પહેલા દિલ્હીના બોલરોએ પણ કમાલ કરી હતી. લુંગી એનગિડી અને ટી. નટરાજનની ઘાતક બોલિંગ (બંનેની 3-3 વિકેટ) સામે લખનઉની ટીમ માત્ર 141 રન બનાવી શકી હતી. લખનઉ માટે આ મેચ એક પાઠ સમાન છે કે ક્યારેક ઇન્ટરનેશનલ સ્ટાર્સ કરતા એ ‘લોકલ બોય’ વધુ ખતરનાક સાબિત થાય છે જે તમારા ઘરના મેદાનના ખૂણેખૂણાથી વાકેફ હોય છે.

Leave a Reply