David Warner Moeen Ali PSL fight: પાકિસ્તાન સુપર લીગ(PSL) 2026માં કરાચી કિંગ્સ અને રાવલપિંડી વચ્ચે રમાયેલી મેચ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ જ્યારે એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કરાચી કિંગ્સના સ્ટાર ખેલાડી ડેવિડ વૉર્નર અને મોઈન અલી વચ્ચે કોઈ ગંભીર વાતચીત થતી હોય તેવું જણાતું હતું. બંને ખેલાડીઓના ચહેરાના હાવભાવ અને ઇશારા જોઈને ચાહકોને લાગ્યું કે તેમની વચ્ચે કોઈ મોટો ઝઘડો થયો છે. આ વિવાદ વધતો જોઈ કરાચી કિંગ્સના ડિરેક્ટર હૈદર અઝહરે વચ્ચે પડવું પડ્યું હતું, જેના કારણે આ મામલો વધુ ગંભીર હોવાની અટકળો તેજ થઈ હતી.
ડેવિડ વૉર્નરે પોતે કરી સ્પષ્ટતા: વિવાદ પર પૂર્ણવિરામ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતા જ ક્રિકેટ પ્રેમીઓએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ આ ઘટનાની સરખામણી IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા અને રિષભ પંત વચ્ચે થયેલી તીખી ચર્ચા સાથે કરી હતી. જોકે, વિવાદ વધતા ડેવિડ વૉર્નરે પોતે સામે આવીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી. વૉર્નરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમની વચ્ચે કોઈ ઝઘડો નહોતો પરંતુ તે એક હળવી મજાક હતી.
આ પણ વાંચો: અભિષેક શર્મા નવી મુસીબતમાં ફસાયો! IPL કૉડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરતાં મળી સજા
સ્લો મોશન અને ઓડિયો વગરની ક્લિપ્સથી ફેલાઈ ગેરસમજ
ડેવિડ વૉર્નરે ખુલાસો કર્યો કે તે હૈદર અઝહરને માત્ર એટલું જ કહી રહ્યો હતો કે તમે પહેલા જઈને વિરોધી ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવી લો. વૉર્નરના જણાવ્યા અનુસાર, કેમેરાના અલગ એંગલને કારણે એક સામાન્ય અને રમુજી વાતચીત ગંભીર વિવાદ જેવી દેખાતી હતી. ઘણીવાર સ્લો મોશન અને ઓડિયો વગરની ક્લિપ્સને કારણે ખોટા તારણો નીકળતા હોય છે, આ ઘટના પણ તેનું જ એક ઉદાહરણ છે. ખરેખર તો વૉર્નર અને મોઈન અલી જેવા અનુભવી ખેલાડીઓ રમત ભાવનાને સારી રીતે સમજે છે અને મેદાનની બહાર તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જળવાયેલા છે.

Leave a Reply