Updated: Apr 14th, 2026
GS TEAM

Suryakumar Yadav Captaincy : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. રોહિત શર્માએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સૂર્યકુમાર યાદવને જવાબદારી સોંપાઈ છે. સૂર્યા હાલ T2 ટીમનો કાયમી કેપ્ટન છે. આમ તો સૂર્યાની આગેવાની હેઠળ ભારત ‘ટી20 વર્લ્ડકપ-2026’માં ચેમ્પિયન બન્યું છે, પરંતુ તેના પ્રદર્શનને લઈને હજુ પણ સવાલો ઉઠી રહ્યા છે. આ જ કારણે સૂર્યાને પડતો મુકવાની તૈયારી ચાલી રહી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
સૂર્યાને પડતો મુકવાની તૈયારી ?
ભારતીય ક્રિકેટ ટીમની આગામી સમયમાં અનેક મેચો રમાવાની છે. ટીમ ઈન્ડિયા લૉસ એન્જલસ ઓલમ્પિક 2028 અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવાની છે. આ ઉપરાંત જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ અને આયરલેન્ડમાં પણ મેચો રમાવાની છે, જેમાં સૂર્યકુમાર યાદવ કેવું પ્રદર્શન કરે છે, તેના પર તેનું ભવિષ્ય નિર્ભર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ સામેની મેચોમાં સૂર્યાના બેટિંગ પાવર પર રહેશે નજર
ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જવાની છે, જેમાં 26 અને 28 જૂને બે ટી20 મેચ રમવાની છે. ત્યારપછી ઈંગ્લેન્ડમાં પાંચ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમવાની છે. ત્યારે આ મેચોમાં સૂર્યકુમાર યાદવના બેટિંગ પાવર પર સૌની નજર રહેશે. આના પરથી નક્કી થશે કે સૂર્યા 2028 સુધી કેપ્ટન રહેશે કે નહીં. એટલે કે આનાથી સ્પષ્ટ ઈશારો મળી રહ્યો છે કે, સૂર્યાની કેપ્ટનશીપ અને ટીમમાં જગ્યા બંને દાવ પર છે.
આ પણ વાંચો : જસપ્રીત બુમરાહના બદલે સંજૂ સેમસનને શા માટે અપાયો આ ખાસ એવોર્ડ? જાણો તેનું કારણ
ગંભીર સૂર્યાના સમર્થનમાં, જોકે ભવિષ્ય પસંદગી સમિતિ ઉપર નિર્ભર
ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવના સમર્થનમાં છે અને તેઓ સૂર્યાને 2028 સુધી કેપ્ટન રાખવાના પક્ષમાં છે. જોકે અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ સૂર્યા માટે શું નિર્ણય લેશે, તે જોવું મહત્ત્વ છે. ખાસ વાત એ છે કે, જ્યારે ઓલમ્પિક શરુ થશે ત્યારે સૂર્યકુમારની ઉંમર 38 વર્ષ થઈ જશે.
બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા મુજબ, ‘સૂર્યકુમાર યાદવ હાલ ટીમ ઈન્ડિયાનો સુકાની છે, પરંતુ તેણે બેટર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. સૂર્યા ઈંગ્લેન્ડ સામેની મેચથી લઈને 2028 સુધી કેવું પ્રદર્શન કરે છે, તેના પર તેનો ટીમમાં સમાવેશ કરવાનો આધાર રહેશે.’
2025માં સૂર્યાનું નિરાશાજનક પ્રદર્શન
સૂર્યાએ 2025માં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેમાં તે એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી, તેનો સ્ટ્રાઈક રેટ પણ 120થી નીચે જતો રહ્યો છે. જોકે તે 2026માં સારું પ્રદર્શન કરી રહ્યો છે અને ટી20 વર્લ્ડકપમાં ચાર ફિફ્ટી ફટકારી છે, જેના કારણે તેનો સ્ટ્રાઈક રેટ 160થી ઉપર પહોંચી ગયો છે. તેમ છતાં મોટી મેચો સામે તેણે નિરાશાજનક બેટિંગ કરી છે. તેણે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે 18-18 રન બનાવ્યા હતા, તો ઈંગ્લેન્ડ વિરુદ્ધની સેમિફાઈનલમાં 11 રન અને ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો.
આ પણ વાંચો : IPL 2026 : અભિષેક શર્મા ફ્લોપ, ‘0’ પર આઉટ થવામાં રોહિત-સેમસનનો શરમજનક રેકોર્ડ તોડ્યો

Leave a Reply