Tilak Varma Century : મુંબઈ ઈન્ડિયન્સના યુવા સ્ટાર તિલક વર્માએ આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે સૌથી ઝડપી સદી ફટકારી અનેક રેકોર્ડ નોંધાવ્યા છે. પાંચમાં ક્રમાંકે આવેલા તિલકે માત્ર 45 બોલમાં 7 સિક્સ અને 8 ફોર ફટકારી 101 રનની વિસ્ફોટ બેટિંગ કરી છે.
તિલકે સેમસનનો રેકોર્ડ તોડ્યો, જયસૂર્યાના રેકોર્ડની પણ બરાબરી કરી
આ સદી સાથે તિલક વર્મા આઈપીએલ ઈતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. અગાઉ મુંબઈ માટે સનથ જયસૂર્યાએ 2008માં ચેન્નાઈ સામે 45 બોલમાં સદી ફટકારી હતી, હવે તિલકે તે રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત, તેણે સંજુ સેમસનનો 52 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો છે. તિલકે આઈપીએલ કારકિર્દીની આ પ્રથમ સદી ફટકારી છે.
— IndianPremierLeague (@IPL) April 20, 2026
23 બોલમાં 82 રન ફટકાર્યા
આ ઈનિંગ એક સમયે અશક્ય લાગતી હતી, કારણ કે તિલક વર્મા શરૂઆતના 20 બોલમાં માત્ર 17 રન બનાવીને રમી રહ્યો હતો. જોકે, ત્યારબાદ તેણે વિસ્ફોટ બેટિંગ શરૂ કરી દીધી છે. તેણે 21થી 30 બોલની વચ્ચે 30 રન ઠોક્યા હતા, જેમાં અશોક શર્માની એક જ ઓવરમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 26 રન ઝૂડી કાઢ્યા હતા. તિલકે તેની પ્રથમ 22 બોલમાં માત્ર 86.36 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની 23 બોલમાં 356 ના અકલ્પનીય સ્ટ્રાઈક રેટથી 82 રન જુડ્યા હતા.
ખરાબ ફોર્મનો અંત
તિલક વર્મા આ મેચ પહેલા ખૂબ જ નબળા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. અગાઉની પાંચ મેચોમાં તેણે માત્ર 43 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ માત્ર 8.6 ની હતી. પરંતુ ગુજરાત સામેની આ તોફાની બેટિંગે સાબિત કરી દીધું છે કે તે ફોર્મમાં પરત ફરી ચૂક્યો છે.

Leave a Reply