Updated: Apr 14th, 2026
GS TEAM

Shane Warne Death: ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નના નિધનના ચાર વર્ષ બાદ તેમના પુત્ર જેક્સન વોર્ને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેક્સને દાવો કર્યો છે કે તેના પિતાના મૃત્યુનો સંબંધ કોવિડ-19 દરમિયાન લેવામાં આવેલી વેક્સિન સાથે હોઈ શકે છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન જેક્સને કહ્યું કે તેના પિતાએ ‘ત્રણ કે ચાર’ કોવિડ રસી લીધી હતી, જ્યારે તેઓ આવું કરવા માંગતા ન હતા. પરંતુ કામની મજબૂરીને કારણે તેમણે વેક્સિન લેવી પડી હતી.
કોરોના રસી લીધા બાદ હાલત વધુ બગડી
જેક્સને કહ્યું કે મને લાગે છે કે પિતાના નિધન પાછળ આ વેક્સિનનો પણ હાથ હોઈ શકે છે. પિતાને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, પરંતુ રસીને કારણે તેમની હાલત વધુ બગડી હતી. જેક્સને એ પણ કહ્યું કે પિતાના મૃત્યુના સમાચાર મળતા જ તે ખૂબ ગુસ્સામાં હતો અને તેણે તરત જ સરકાર, કોવિડ અને રસીઓને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે બાદમાં તેણે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.
વોર્નનું નિધન વર્ષ 2022માં થયું હતું
ઉલ્લેખનીય છે કે શેન વોર્નનું 2022માં થાઈલેન્ડમાં 52 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેમના અચાનક અવસાનથી સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું હતું. જેક્સનના મતે, તે સમયે તેના પિતા દેખાવમાં સ્વસ્થ અને ખુશ હતા. જો કે તેઓ ધૂમ્રપાન અને દારૂનું સેવન કરતા હતા, તેમ છતાં તેમની હાલત સામાન્ય લાગતી હતી.
આ પણ વાંચો: Explainer: યુરોપના 29 દેશમાં પાસપોર્ટ સ્ટેમ્પનો અંત, જાણો ડિજિટલ એન્ટ્રી અને એક્ઝિટના નવા નિયમો
શેન વોર્ન આવ્યા હતા કોરોનાની ઝપેટમાં
જેક્સને એ પણ જણાવ્યું કે શેન વોર્ન તેમના મૃત્યુના થોડા મહિના પહેલા કોવિડ-19 થી સંક્રમિત થયા હતા, પરંતુ તે સમયે તેઓ કોઈ ગંભીર બીમારીથી પીડાતા ન હતા. જેક્સને અંતમાં ઉમેર્યું કે તે આ મુદ્દે વધુ વિચારીને પોતાને ગુસ્સામાં રાખવા માંગતો નથી, કારણ કે તેનાથી કોઈને ફાયદો થવાનો નથી.

Leave a Reply