થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી
Updated: Apr 25th, 2026
GS TEAM

Sreesanth vs Harbhajan Singh: IPL ઈતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત વિવાદ ‘થપ્પડકાંડ'(Slapgate) લગભગ 18 વર્ષ બાદ ફરી એકવાર ગરમાયો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. શ્રીસંતનો દાવો છે કે હરભજન સિંહે આ વિવાદિત ઘટના પર આધારિત એક ટીવી જાહેરાત દ્વારા ₹80 લાખથી ₹1 કરોડ જેટલી મોટી રકમની કમાણી કરી છે. એટલું જ નહીં, શ્રીસંતે એવો પણ ખુલાસો કર્યો કે ભજ્જીએ તેને આ જાહેરાત સોશિયલ મીડિયા પર પ્રમોટ કરવા માટે કહ્યું હતું, જે બાબત તેને જરાય ગમી નહોતી. એક ઇન્ટરવ્યૂમાં શ્રીસંતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘મેં તેમને હંમેશા માફ કર્યા છે પણ હું એ ઘટના ક્યારેય ભૂલી શક્યો નથી, કારણ કે જો તમે ભૂલી જાઓ તો સામેની વ્યક્તિ ફરી એ જ ભૂલ કરે છે.’
IPL 2008નો વિવાદ: પ્રથમ સીઝનમાં જ સર્જાયો હતો ‘થપ્પડકાંડ’
આ વિવાદ વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની મેચ બાદ હરભજન સિંહે શ્રીસંતને મેદાન પર જ થપ્પડ મારી દીધી હતી, જેના કારણે શ્રીસંત રડી પડ્યો હતો. આ ઘટના બાદ હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની મેચ ફી પણ કાપી લેવામાં આવી હતી.
શ્રીસંતે સોશિયલ મીડિયા પર ભજ્જી સાથે તોડ્યા સંબંધ
લાંબા સમય સુધી એવું લાગતું હતું કે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે, પરંતુ હવે શ્રીસંતે સ્પષ્ટ કર્યું છે કે તેમની વચ્ચેના સંબંધો સંપૂર્ણપણે પૂરા થઈ ગયા છે. શ્રીસંતે હરભજનને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે અને આરોપ લગાવ્યો છે કે હરભજનની જાહેર છબી અને અસલી વર્તનમાં મોટો તફાવત છે. તેના મતે, ટીવી પર દેખાતી તેમની મિત્રતા માત્ર એક ‘એક્ટ’ એટલે કે દેખાવો હતો.
આ પણ વાંચો: કોહલીનો કેચ 0 પર છોડવો ભારે પડ્યો, 3 ઓવરમાં તો બાઉન્ડ્રી ન ફટકારી, ગિલે જણાવ્યા હારના કારણ
વિવાદનો આર્થિક ફાયદો ઉઠાવ્યાનો શ્રીસંતનો દાવો
તાજેતરમાં પૂર્વ IPL કમિશનર લલિત મોદીએ આ ઘટનાનો હાઈ-ડેફિનેશન વીડિયો જાહેર કરતા આ જૂની આગ ફરી ભભકી ઉઠી છે. જોકે હરભજન સિંહે ભૂતકાળમાં ઘણી વખત આ ઘટના બદલ માફી માંગી છે અને તેને પોતાની મોટી ભૂલ ગણાવી છે, પરંતુ શ્રીસંતનું માનવું છે કે જ્યારે તમે એ જ વિવાદાસ્પદ ઘટનાનો ઉપયોગ આર્થિક ફાયદો મેળવવા માટે કરો છો, ત્યારે માફીનો કોઈ અર્થ રહેતો નથી. આમ, આ નવા ખુલાસાઓએ સ્પષ્ટ કર્યું છે કે IPLના આ સૌથી જૂના વિવાદના ડાઘ હજુ ભૂંસાયા નથી.

Leave a Reply